ખેરગામ : તારીખ ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસના પાવન અવસરે નવસારી જીલ્લાના સુરખાઈ ગામ ખાતે આવેલ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે મહિલાઓએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી અને આત્મનિર્ભરતા માટે આદિવાસી સમાજનો સન્માન સમારોહ યોજાયો. જેમાં પ્રો. નિરલ પટેલ તથા ઇજનેર મયુર પટેલનાં માતૃશ્રી કલ્પનાબેન પટેલ આશરે છેલ્લા ૨૫ વર્ષ પહેલાં ચાલુ કરેલ નાનકડી કરિયાણાની દુકાનથી હાલ કલ્પવંત રેસ્ટોરન્ટ સુધીની સફર માટે સ્ત્રીની આત્મનિર્ભરતા તેમજ સમાજને વ્યસન મુક્ત જીવન જીવવા માટે કરેલ પહેલ બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જે તેમના દીકરાઓ માટે ખૂબ જ ગૌરવશીલ ક્ષણ હતી. રસપ્રદ વાત તો એ હતી કે પ્રો. નિરલ પટેલનાં માતાનું નામ પણ કલ્પનાબેન અને પુરસ્કાર આપનાર બહેન પણ કલ્પનાબેન (મામલતદાર વાપી)નાં હતા. બીજી ઘણી અન્ય બહેનો પણ હતી કે જેઓ પોતે દિવ્યાંગ, કોઈ વિધવા તો કોઈ આર્થિક રીતે લાચાર હોવા છતાં પણ આત્મનિર્ભરતાની મિશાલ હતી. ખરેખર એમને જોઇને અમુક ક્ષણ માટે હૃદય પણ દ્રવી ઉઠ્યું કે કેવી કેવી પરિસ્થિતિમાંથી આવીને પગભર બન્યા હશે? પરંતુ જ્યારે એમની સંવેદના સભર કથનની રજૂઆત થઈ ત્યારે ખરેખર થયું કે એક સ્ત્રી સમાજ અને દેશ માટે ઘણું કરી શકે અને એક મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે.
આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ,નવસારી આદિવાસી સમાજના પ્રમુખ ડો. નીરવભાઈ, ડૉ. દિવ્યાંગીબેન, એમનો સમગ્ર સ્ટાફ, પત્રકાર મિત્ર મનીષભાઈ તેમજ અન્ય (નામી અનામી) મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓને એમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા બદલ પ્રો. નિરલ પટેલ સૌ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરે છે.
0 Comments