ખેરગામ : કન્યા કેળવણી અને સામાજિક જનજાગૃતિ, ગરીબ પરિવારોને જીવનનિર્વાહની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ આદિવાસી સમાજ દ્વારા ગણદેવી તાલુકાના ધનોરી અને ચાંગા ગામમાં અને ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ૩ ગરીબ બાળાઓને ગરીબીના કારણે ભણતર નહીં અટકે તે માટે પ્રોત્સાહનરૂપે આર્થિક કરવામાં આવી હતી. ગણદેવી તાલુકાની દીકરી આરતી હળપતિના પિતાનું 6 વર્ષ પૂર્વે અવસાન થતાં માતાએ કાળી મજૂરી અને મોટી બહેને પોતાનું ભણતર છોડીને નોકરી કરીને આરતીને ડોક્ટર બનાવવાના અરમાનો સાથે ભણવા મદદ માટે મોક્લી હોવાની હકીક્ત માલૂમ પડતાં આદિવાસી સમાજની ટીમ મદદ માટે દીકરીના ઘરે પહોંચી હતી. અન્ય બે પરિવારો પણ ખેતમજૂરી કરી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. એમ જણાતાં આ પ્રસંગે સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે દરેક દીકરીઓના વાલીઓને બાંહેધરી આપી હતી. કોઈપણ ગરીબ દીકરા-દીકરીનું ભણતર માત્ર તેની આર્થિક પરિસ્થિતિને કારણે અટકવું જોઈએ નહીં, જે વિષય પર ભાર આપી ભવિષ્યમાં પણ આવા કોઈપણ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો. નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દરેક વાલીઓને જણાવ્યું હતું કે આવી જ રીતે તમારા બાળકો ભણીગણી કમાતા થાય ત્યારે તમારા બાળકોને એટલું ચોક્કસથી શીખવાડજો કે, સમય આવે ત્યારે આવી રીતે કોઈપણ ગરીબ સમાજના બાળકોને ભણવામાં ચોક્કસથી મદદરૂપ થજો. આ પ્રસંગે ડૉ. દિવ્યાંગી પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.નિરવ પટેલ(ગાયનેક), ડૉ. કૃણાલ પટેલ, ડૉ. પ્રિયેશ, મુકેશભાઈ, કિર્તી પટેલ, મિંતેશ પટેલ, દલપતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઠાકોરભાઈ, હસમુખભાઈ, મયુરભાઈ, ઉમેશભાઈ, ભાવેશભાઈ, ભાવિનભાઈ, ભૂમિકભાઈ, કાર્તિકભાઈ, પથિકભાઈ, જીતેન્દ્રભાઈ, હિરેનભાઈ અને સાગરભાઈ સહિતની સેવાભાવી વ્યક્તિઓ હાજર રહી હતી.
0 Comments