"માતા પિતાના દિલના કોડિયામાં સંસ્કારોના તેલ વડે વાત્સલ્યની દીવાસળીથી ઘર, સમાજ અને દેશનું નામ ઉજાગર કરનારી દિવેટ એટલે દીકરી, એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે એ દીકરી"
દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે "રાષ્ટ્રીય બાળકી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક ક્ષેત્રમાં વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો તેમજ સદીઓથી છોકરા-છોકરીઓ વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને લઈને જાગૃતિ ફેલાવવાનો છે. ઘણા સમાજમાં છોકરીઓ આજથી નહીં પણ હંમેશાથી જીવના દરેક તબક્કે પક્ષપાતનો સામનો કરતી આવી છે, પછી તે શિક્ષણ હોય કાયદાકીય અધિકાર હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ હોય કે પછી સુરક્ષા અને સન્માન આપવાની વાત હોય. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાની પ્રથાથી તેમનું બાળપણ છીનવાવાની સાથે એક રીતે તેમના સમગ્ર જીવનને હાસિયામાં ધકેલી દેવામાં આવે છે. તેથી સમાજમાં જાગૃતિ લાવવા માટે આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તર પર બાળકીઓના વિકાસને એક અભિયાનના રૂપમાં માનીને ભારત સરકારે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની શરુઆત કરી છે. આ અભિયાનનો ઉદેશ્ય દેશભરના લોકોને છોકરીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. સાથે લોકોને એ અંગે પણ જાગૃત કરવાના છે કે સમાજના નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે.આ અભિયાન હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમો જેવા કે બેટી બચાવો બેટી પઢાઓ, સ્ત્રી સશકિતકરણ કરવામાં આવે છે.જેથી સમાજમાં છોકરીઓની સ્થિતિ સુધરે અને તેમને એ દરેક તક અને સુવિધા મળે જે છોકરાઓને વગર કહ્યે મળતી હોય છે. સાથે જ તેમને નિર્ણય લેવાનો અધિકાર મળે. આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોની એ વિચારસરણી બદલી શકાય જ્યાં છોકરા પહેલા અને છોકરીઓ પછી આવે છે. સશક્ત સમાજ અને દેશના મજબૂત નિર્માણ માટે છોકરીઓની બરાબરની ભાગીદારી ખૂબ જ જરૂરી છે.
પ્રો. નિરલ પટેલ
પોલિટેકનિક કોલેજ વલસાડ
0 Comments