શ્રી અરવિંદભાઈ પટેલનો જન્મ બીજી જૂન ૧૯૫૩ના રોજ ખેરગામનાં વેણફળિયા ખાતે પિતા નિછાભાઈ અને માતા ધનુબેનના ઘરે થયો હતો. તેમનાં પરિવારમાં તેમના ધર્મપત્ની શ્રીમતી વનુબેન, જે નિવૃત શિક્ષિકા છે. પુત્ર આશિષ, પુત્રવધૂ જ્યોત્સ્ના, જેઓ બંને સરકારી નોકરી કરે છે. જ્યારે પૌત્રીઓ સૃષ્ટિ અને દ્રષ્ટિ અભ્યાસ કરે છે. પુત્ર આશિષ પણ પિતાને પગલે સમાજસેવામાં કાર્યરત છે. જ્યારે પુત્રી હેતલનાં વેવિશાળ થવાથી તેઓ વલસાડ ખાતે સ્થાયી થયેલ છે.
સૌપ્રથમ વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલકાના મોટી કોરવડ પ્રાથમિક શાળામાં કેન્દ્ર શિક્ષકથી નોકરીની શરૂઆત ત્યારબાદ નવી ભૈરવી પ્રાથમિક શાળા, ખેરગામની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા અને છેલ્લે કુમાર શાળા ખેરગામ ખાતે કેન્દ્ર શિક્ષકનો કાર્યભાર પૂરી નિષ્ઠા અને ધગશથી નિભાવી તારીખ-૩૧/૧૦/૨૦૧૧ના રોજ નિવૃત થયેલ છે. અને સાથે-સાથે શિક્ષક વ્યવસાયના સમયગાળા દરમ્યાન ૨ વર્ષ ટીચર સોસાયટીમાં ઓડિટર ની સેવા, ૨ વર્ષ તાલુકા શિક્ષક સંઘમાં ઓડિટરની સેવા, ૨ વર્ષ જિલ્લા શિક્ષક સંઘમાં ઓડિટરની સેવા, ૨ વર્ષ જિલ્લા કારોબારી સભ્ય, અને ચીખલી તાલુકા ટીચર સોસાયટીમાં લાગલગાટ ૬ વર્ષ ચેરમેનના હોદ્દા પર રહી શુદ્ધ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ શિક્ષક સંઘમાં કારોબારી સભ્યના હોદ્દાની રૂએ શિક્ષકોનાં પડખે રહી શિક્ષકોનાં પ્રશ્નો અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં તેઓ મોખરે રહેતાં. સાચી વાતને નીડરતાથી સેહશરમ વગર રજૂઆત કરવી એ 'સ્પષ્ટ વક્તા' તરીકેની તેમની અલગ ઓળખ છે. ધર્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ, સેવાભાવી, બહારથી કડક લાગતા પણ અંદરથી મીણ જેવા કોમળ હૃદયના. સંગીતના જાણકાર અને ભજનિક,બીજાને દુઃખે દુ:ખી અને બીજાને સુખે સુખી એ તેમનો જીવનમંત્ર જેવી બાબતો એમનાં જીવનમાં વણાયેલી છે.
તેમના જીવનની બીજી બાજુ સમાજ સેવક તરીકે ૧૦ વર્ષ ભારતીય પ્રગતિ મંડળ બહેજમાં મંત્રી તરીકેની સેવા, ૧૨ વર્ષ જનતા કેળવણી મંડળમાં મંત્રી તરીકેની સેવા, ૧૪ વર્ષ શનૈશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ ભૈરવીમાં સેક્રેટરીની સેવા, શ્રી રામ પારાયણ સેવા સમિતિમાં સેક્રેટરીની સેવા, ધોડિયા સમાજનાં સમૂહલગ્નમાં ૪ વર્ષ સુધી મંત્રી તરીકે રહી સેવા આપેલ છે. હાલમાં જનતા કેળવણી મંડળ ખેરગામમાં ૬ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.જનતા માધ્યમિક શાળામાં સાયન્સનાં વર્ગો લાવવામાં તેમજ પ્રાથમિક વિભાગ શરૂ કરવામાં એમનો સિંહફાળો રહ્યો છે. એમનાં કાર્યભાર સાંભળ્યા પછી જનતા માધ્યમિક શાળાની પ્રગતિમાં ઉત્તરોઉત્તર વધારો થતો રહ્યો છે.
ગામનાં કુરિવાજો સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ એમના થકી થયેલ છે. આદિવાસી સમાજમાં બારમાની વિધિની જગ્યાએ અસલ રસમ 'દિયાડો' ચાલુ કરવાની પહેલ કરેલ છે. આ પ્રથા ચાલુ કરવા પાછળ સમાજમાં બારમા વિધીમાં ખોટા ખર્ચા રોકવાનો છે. તેમનાં જણાવ્યા અનુસાર આ લખાય ત્યાં સુધીમાં ૪ 'દિયાડા' વિધિઓ કરી છે. તેઓ સતત કહેતાં આવ્યા છે કે, "જીવતાં જીવ કરેલાં સત્કર્મો જ આપણી સાથે આવે છે." તેઓ તત્ત્વચિંતક પણ છે. તેઓ સમાજનાં રીત રિવાજોની વાતો ચોક્કસ તર્ક સાથે રજૂ કરે છે. દુઃખદ પ્રસંગોએ એમની હાજરી અચૂક જોવા મળે છે. ગરીબ બાળકોને ભણાવવા માટે આર્થિક સહાય પણ પૂરી પાડતા રહ્યા છે. કૌટુંબિક ઝગડા હોય કે જમીન જાયદાદનાં ઝગડા હોય એમના સમજાવટ થી હલ થઈ જાય છે. બને ત્યાં સુધી કોર્ટ કચેરીના ધક્કાથી સમાજને દૂર રાખવામાં તેઓ માને છે. રાજકારણમાં જોડવા માટે દરેક પક્ષોએ એમના સમક્ષ માંગણી કરેલ.પરંતુ સ્વેચ્છાએ હજુ સુધી કોઈ પણ પક્ષમાં સક્રિય ભૂમિકા ભજવેલ નથી.એમના મતે સમાજ સેવા કરવી હોય તો રાજકારણમાં જોડાવવું જ જોઇએ એવી માન્યતાથી પર છે. કોઈ પક્ષમાં ન હોવા છતાં દરેક પક્ષના હોદ્દેદારો પ્રસંગ કે કાર્યક્રમ દરમ્યાન એમને અચૂક આમંત્રણ આપવામાં આવે છે. આજે તેમની ગણના ગામનાં અગ્રગણ્ય આગેવાન તરીકે થાય છે. નિવૃત્તિના સમયમાં પણ તમને ઘરે ભાગ્યે જ જોવા મળે છે. નાના મોટા કોઈ પણ કાર્ય માટે સમાજ તેમની મદદ લે છે, અને તેઓ મદદ માટે હરહંમેશ તૈયાર જ હોય છે.
આજે સમાજમાં નાનાંમોટાં હરકોઈ માનની નજરે જુએ છે અને બોલાવે છે. યુવાન વર્ગ એમનો પડ્યો બોલ ઝીલે છે.એમના એક હાકલે યુવાનો કામ પાર પાડે છે. લોકદુઆથી આજે તંદુરસ્ત જીવન વિતાવી રહ્યા છે.
મારાં ગુરુ એવા શ્રી અરવિંદભાઈ વિશે લખવું હોય તો પેજના પેજ ભરાઈ જાય.પરંતુ હું એમનાં હયાતીમાં જ એમના જીવનના સત્ કાર્યોની નાની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.
0 Comments